Mandir : 95373 86835, Atithi Bhavan : 96244 14666

umiyamatajigathila@gmail.com

Mandir : 95373 86835, Atithi Bhavan : 96244 14666

umiyamatajigathila@gmail.com

About Uma Temple – Gathila

માં ઉમિયા નો પ્રાગટ્ય ઈતિહાસ

આર્ય સંસ્કૃતિમાં માતાને ગૌરી શિખર સ્થાપી તેની પુજા કરવામાં આવે છે. માતાનું આવુ મહાત્મય  આપણી સંસ્કૃતિમાં એટલુ વ્યાપ્ત છેકે ધરતીને અને નદીને પણ માતૃત્વ પ્રાપ્ત થયું છે. આવી જ એક લોકમાતા સોરઠ પ્રદેશમાં ‘ઓઝત’ સ્વરૂપે ઓળખાય છે.

સોરઠ  પ્રદેશનું  પૌરાણિક  મહત્વ  હજારો  વર્ષ જૂનું છે.ઈતિહાસવિદો આપણા ગરવા ગીરનારને ‘હિમાલયનો મોટો ભાઈ કહે છેં. સંત શુરા અને સાવજથી સુવિખ્યાત એવી આ પાવન ભોમકા પર ઓઝત નદીને કિનારે જૂનાગઢ શહેરથી દક્ષિણ–પશ્વિમે ૧૩–૧૪ કિ.મી દૂર વંથલી તાલુકાનુ નાનુ ગાંઠિલા ગામ આવેલું છેં.

મુખ્યત્વે કડવા પાટીદાર ઉપરાંત કોળી ભરવાડ હરિજન અને સગર જ્ઞાતિનો પરિવારની આશરે ૧પ૦૦ ની જન સંખ્યા ધરાવતું ગાંઠિલા ગામ વસેલું છેં.

આવા ગાંઠિલા ગામમાં જીવાબાપા જાગાણી ( ભગતબાપા ) ના પરિવારમાં જન્મેલા શ્રી નાનજીબાપા પણ ધર્મપરાયણ સંસ્કાર વારસો પામીને ‘ભગત’ તરીકે જ ઓળખાતા હતા. પરિવાર ની આર્થીક સ્થિતિ નબળી હોવા છતાં પોતાના કામધંધા કરતાંયા સાધુ – સંતો અને ગરીબ ગુરબાની સેવામાં વ્યસ્ત રહેતા નાનજીબાપા ભકિતપરાયણ જીવન જીવતા. સંવત ર૦૩૩ ના વર્ષની કોઈ એક રાત્રીના શ્રી નાનજીબાપાને માં ઉમિયાજી સ્વપ્નમાં આવ્યા. ભગવદ સ્વભાવના શ્રી નાનજીબાપાએ આ બાબતને ગંભીરતાથી ન લીધી. પરંતુ ત્યારબાદ અવારનવાર માતાજી એમને સ્વપ્ન માંજ આવવાં લાગ્યાં.સ્વપ્નમાં જ થતા આવા કોઈ વાર્તલાપમાં માતાજીએ ભગતબાપાને પ્રગટ થવાની ઈચ્છા દર્શાવી. આ હકીકત ૧૦૦–ર૦૦ વર્ષ પહેલા બની હોતી તો હરકત ન હતી આજના આધુનિક યુગમાં ( આશરે ૩૦ – ૩૧ વર્ષ પહેલાં ) આવી કોઈ વાત માનશે નહીં, એમ માનીને નાનજીબાપાએ આ વાત કોઈને કહી નહીં, પરંતું સદાય મસ્ત સ્વભાવના નાનજીબાપા આ ઘટના બાદ ઉદાસ રહેવા લાગ્યાં ગામના આગેવાનો તથા પરિવારના સૌની સતત પુછપરછને અંતે બાપાએ પોતાની ઉદાસીનું કારણ અને સ્વપ્નની હકીકત સૌને જણાવી ગામના આગેવાનો સર્વશ્રી મહિદાસબાપા,નાનજીબાપા કમાણી,અનેદેવશીભાઈ લાડાણી વિગેરેનો સધિયારો મળ્યો કે,’ભલે પધારે માતાજી,માં સ્વયં આપણાં આંગણે માં પધારે એનાથી રૂડું બીજું શું હોય ! હવે માતાજી સ્વપ્નમાં આવે પ્રાગટયની અનુમતી આપી સ્થળ, સમયની નિશાની માગી લેજો.’

 

એકાદ અઠવાડીયા બાદ માતાજી ફરીથી સ્વપ્નમાં આવ્યા.પ્રાગટયનો ચોકકસ દિવસ,સમય અને સ્થળ અને ઓળખવાની નિશાનીઓ આપી. જુઓ  તો  ખરા, માતાજીએ પ્રાગટયનો દિવસ કેવો પસંદ કર્યો છેં.! વિજયા–દશમી.જગદંબાની ઉપાસનાનું પર્વ નવરાત્રી અને એની પુર્ણાહુતી સ્વરૂપે જભારતભરમાં ઉજવાતો ઉત્સવ.વિક્રમ સંવત ર૦૩૩ આસો સુદ ૧૦ શુક્રવાર તા ર૧ – ૧૧ – ૧૯૭૭ ના રોજ સવારના ૯–૧પ કલાકે માતાજીએ સૂચવેલા સ્થળે, ઓઝતના કાઠે આવેલા ખેતરની ઉતર દિશા ના શેઢા ઉપર,બાવળ બોરડીના ઝાળા વચ્ચે કંકુનો સાથીયો અને સોપારીની નિશાની જોવા મળી, અને  માતાજીએ સૂચવેલા મૂહુરતે ઝાળી ઝાંખરા દૂર કરી ખોદકામ કરતા લાલચુંદડીનું આવરણ ઓઢી સ્વયં  જગદંબા જગજનની માતા ઉમિયાજી પ્રગટ થયા. ભગતબાપા એ ચુંદડીનું આવરણ ખસેડતા જ ચોમેર તેજપુંજ છવાઈ ગયો. માતાજીની મુર્તિ સામે મીટ માંડતા જ આંખો અંજાઈ જાય તેવું તેજોમય સ્વરૂપ ત્યાં ઉભેલા સૌને જોવા મળ્યું. માં ઉમિયાનો જય જય કાર કરી સૌ આનંદની અભિવ્યકિત કરતા નાચવા લાગ્યા.

ઓઝતને કાંઠે આવેલ આ સ્થળેથી ગિરનાર પર બિરાજતાં માં અંબા–જગદંબા સાથે સીધી  દ્રષ્ટિ મળે તેવું સ્થળ પસંદ કરી માં એ પોતાના બેસણાની પસંદગી યોગ્ય ઠેરવી છે.

સોરઠની પવિત્ર  ધરતી પર આ હતું માં ઉમિયાનું પ્રાગટય, તુરત જ ત્યાં ઓટલો  બનાવી માતાજીનું સ્થાપન થયું. આ વાત ચોમેર વાયુવેગે ફરી વળી. ચોતરફથી હજારો ભાવીકો માતાજીના દર્શનાર્થે ઉમટી પડયા,શ્રી નાનજીબાપાના પિતાશ્રી જીવાબાપાએ પોતાની ર૦ વિધા જમીનમાંથી મંદિર ને જોઈએ તેટલી જમીન વિના મૂલ્યે આપવાની તૈયારી દર્શાવી. પરંતુ ભગતબાપાની આર્થીક સ્થિતિ ધ્યાન માં લઈ આગેવાનોએ પ વિધા જમીન રૂા.૧પ હજારમાં નકકી કરી. ગામના આગેવાન શ્રી મહિદાસ    બાપાના પ્રમુખપદે ટ્રસ્ટની સ્થાપના થઈ. કેશોદના ડાહ્યાભાઈ ભીમાણી ટ્રસ્ટના મંત્રી બન્યા અને નાનું એવું મંદિર બનાવી તેમાં માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી.કેટલાંક વૃક્ષોવાવીને મંદિર પરિસરને રળિયામણું બનાવવામાં આવ્યું. સોરઠ પ્રદેશના ઉમાવંશી પરિવારોએ માં ઉમાના પ્રાગટયને હરખ ભેર વધાવ્યું.

સને ૧૯૮૩ ના વર્ષમાં ( તા ર૩–૬–૧૯૮૩ )સોરઠ પ્રદેશમાં ભયંકર વાવાઝોડું અને અતિવૃષ્ટિના કારણે ભયાનક પુર હોનારતની આફત આવી.અનેક નદીઓ ગાંડીતુર બની. ઓઝત જેવી લોકમાતાએ પણ પોતાના કિનારે વસેલા અનેક ગામોને નારાજ કરી મુકયા.સેંકડો લોકો મૃત્યુ પામ્યા અને  હજારો ઢોર તણાયાં. લાખો લોકો બેધર બન્યા.કરોડો રૂપિયાની માલ–મિલકત નાશ પામી. આપણું નાનકડું ઉમાધામ તો સાવ ઓઝતને કાંઠે જ.મંદિર તથા માતાજીની મૂર્તિ ઓઝતના ધોડાપુરમાં તણાઈ ગયા. માતાજી જાણે આશ્વાસન આપતા હોય…તમારા સુખે સુખી,તમારા દુઃખે દુઃખી ! જુઓ,મારું ઘરને હું પણ તણાઈ રહ્યા છીએ !

નાનજીબાપા તથા અન્ય શ્રધ્ધાળુઓ ઉદાસ થઈ ગયા.માતા વિના સુનો સંસાર.આખા વિસ્તારમાં ખુબ શોધખોળ કરતા પણ માતાજીની મૂર્તિ હાથમાં ન આવી.ભગતનું હદય વલોપાત કરતું હતું. માં વિના તેઓ અર્ધપાગલ જેવા બની ગયા પાંચેક માસની કસોટી બાદ માતાજી ફરીથી ભગતના સ્વપ્નમાં આવ્યાં.પોતાના ભકતની હાલત તેમનાથી અજાણી કયાંથી હોય  ! ભગતને આશ્વાસન આપતા કહ્યું કે બેટા,હું તારાથી દૂર ગઈ જ નથી.હું તારા ખેતરના આથમણો શેઢે જ છું. ફરીથી નિશાનીઓ આપતા – ગામના આગેવાનો તથા ટ્રસ્ટના તે વખતના ચેરમેન શ્રી નારણભાઈ મકવાણા,શાપુરની હાજરીમાં કંકુ સોપારીની નિશાનીવાળી જગ્યાએ ખોદકામ કરતા માતાજીની મૂર્તિ મળી આવી. માતાજીનું સ્થાપન મૂળ જગ્યાએ કરવામાં આવ્યું.પુનઃપ્રતિષ્ઢા સંવત ર૦૪૦ કારતક વદ પ શુક્રવાર તા.રપ–૧૧–૧૯૮૩ ના રોજ સવારે ૧૦–પ૦ કલાકે સંપન્ન થઈ હતી.

આજે જીવાબાપા કે નાનજીબાપા આપણી વચ્ચે હયાત નથી.એ વખતના ટ્રસ્ટીઓ કે આગેવાનોમાંથી મોટા ભાગના હયાત નથી,પરંતુ તેઓ સૌને એક કામ સોંપતા ગયા છે. મંદિરના માધ્યમે સમાજને સંગઠિત કરી સમાજ સેવાનું ભગીરથ કાર્ય આપણા સૌની રાહ જોઈ રહ્યું છેં આપણે સૌ આવું કાર્ય માં ઉમાના આશીર્વાદ તો પ્રાપ્ત કરીશું જ પરંતુ એ જોઈને શ્રી નાનજીબાપાનો પુનિત આત્મા જયાં હશે ત્યાં પ્રસન્નતા અનુભવતો હશેં.

નૂતન મંદિર નિર્માણ સંકલ્પ

મંદિર નિર્માણ સમિતીએ તાબડતોબ મંદિર નિર્માણ અંગેની પ્રાથમિક કામગીરી હાથ ધરી નૂતન મંદિર કેવું બનાવવું, કઈ શૈલીના મંદિરનું નિર્માણ કરવું વિગેરે બાબતોનોઅભ્યાસ હાથ ધર્યા આઅંગે જુદા–જુદા મંદિરની મુલાકાત લઈ તેના નિર્માણ કાર્ય અંગેનો અભ્યાસ હાથ ધર્યો.

સાથો સાથ એવું પણ ઠરાવવામાં આવ્યુ કે ઉંઝા મંદિર સીદસર મંદિરને વડીલ મંદિર ગણી તેમના વડપણ હેઠળનું,તેમના માર્ગદર્શન હેઠળનું અને બંને મંદિરોની યોજનાની અમલદારી કરવાના, હેતુસર આ મંદિર કાર્યવાહી કરશે.આ માટે બંને મંદિરના હોદેદારોને રૂબરૂ મળી તેમના આર્શીવાદ અનેમાર્ગદર્શન મેળવીને જ કાર્યનો શુભારંભ થયો બંને મંદિરના આગેવાનોએ સંપૂર્ણ સાથસહકાર આપવાના વચન સાથે પોતાનો રાજીપો વ્યકત કરી આ મંદિર નિર્માણના કાર્યને શુભાશીષ પાઠવ્યા….

બધા આગેવાનોની સલાહનો પ્રધાનસૂર મંદિર નિર્માણમાં શકય એટલી બચત કરી આનુસાંગિક સુવિધાઓ વધારે આપી શકાય તે જોવાનો હતો તેને ધ્યાનમાં રાખી બંસી પહાડપુર પથ્થરને બદલે ધ્રાંગધ્રાં સ્ટોન વાપરી મંદિર નિર્માણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું.

આ ખંડની શરૂઆતમાં માતાજીના આરંભના બેસણાંની ઝલક આપી છેં. શિખરબદ્વ મંદિરનું આપણા સૌનું સહિયારું સ્વપ્ન સાકાર થયુ.

નૂતન મંદિર ખાતમૂહુર્ત

તાઃ પ-૧ર-ર૦૦ર ના રોજ નૂતન મંદિરનું ખાતમૂહુર્ત સંપૂર્ણ શાસ્ત્રોકત વિધિ વિધાન પ્રમાણે સંપન્ન થયું અને આ સાથે જ નૂતનમંદિર નિર્માણ કાર્યના શ્રી ગણેશ થયા. હજારો સોરઠવાસી ઉમાવંશીઓએ વર્ષોથી સેવેલા સુંદર સ્વપ્નને સાકાર થતું નિહાળી આ ક્ષણો હર્ષોલ્લાસથી વધાવી…

નૂતન મંદિરના ખાતમૂહુર્ત બાદ મુખ્ય મંદિર અને શીવ મંદિરના પાયાનું ખોદકામ શરૂ થયું મંદિરની ઉંચાઈ,વિસ્તાર અને ધ્રાગંધ્રા સ્ટોનના વજનને ધ્યાનમાં રાખીને ૧પ ફુટ ઉંડો પાયો ખોદવામાં આવ્યો. આટલા ઉડા પાયા ખોદયા પછી શ્રેષ્ઠ મૂહુર્તે મંદિરનો શિલાન્યાસ વિધિ યોજવાનું આયોજન કરવામા આવ્યુ. તાઃર૯-૧-ર૦૦૩ ના રોજ સંપૂર્ણ શાસ્ત્રોકત વિધિ અનુસાર શિલાન્યાસ વિધિ સંપન થયો…

મંદિર નિર્માણઃશ્રમદાન

સંકલ્પ સભા,મંદિર ખાતમૂહુર્ત અને શિલાન્યાસ વિધિ બાદ મંદિર નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું.વડીલોની શીખામણ મુજબ મંદિર નિર્માણમાં શકય એટલી કરકસર કરવાની બાબત ધ્યાનમાં રાખતા નિર્માણ સમિતિએ કેટલાક કાર્યો શ્રમદાનથી થઈ શકે તેમ છે તેનો અભ્યાસ કર્યો.અને  પરિણામે મંદિરનો પાયો ખોદવાનું અને તેને ભરવાનું ઠીક-ઠીક મોટું ગણાય તેવું આ કાર્ય શ્રમદાનની ટહેલ નાખી પૂર્ણ કરવાનું આયોજન થયું. સૌના સાનંદ આશ્ચર્ય વચ્ચે આ ટહેલ અલૌકિક આવકાર પ્રાપ્ત થયો..

આપણાં ૭ર ફુટ ઉંચા મંદિર અને ધ્રાગંધ્રા સ્ટોનના વજનને ધ્યાનમાં રાખતા મંદિરનો પાયો ૧પ ફુટ ઊંડો ખોદવાનો હતો  તથા તેને ભરવા માટે કાળો કાળમીંઢ પથ્થર, સિમેન્ટ  અને  રેતી  ઉપયોગમાં લેવાના હતા. કાળમીંઢ પથ્થર ઓઝતની જ રેતી મેળવવામાં આવી.

શ્રમદાન યજ્ઞમાં જૂનાગઢ,વંથલી,કેશોદ જેવા નજીકના તાલુકાઓ ઉપરાંત દૂરના ગામડાઓમાંથી ઉમાવંશી ભાઈઓ તેમજ બહેનોએ ભારે ઉલ્લાસથી ભાગ લીધો.સવારથી સાંજ અવિરત ચાલતા આ શ્રમ યજ્ઞમાં બહેનો, ભાઈઓ માટે  રસોઈ બનાવવા માટે આવતી. પ્રત્યેક ગામમાંથી આખી ટીમ  આવતી.એકંદરે ૬૧ ગામના રપ૭૯ સ્વયંસેવકોએ તાઃ ૧૮-ર-ર૦૦૩ થી તાઃ ૧૬-૪-ર૦૦૩ સુધી અવિરત શ્રમદાન કર્યુ. આ શ્રમદાન દ્વારા રૂા.૪.પ લાખની બચત થવા પામી અને માતાજીના મંદિર નિમાર્ણના પાયામાં પરસેવા પાડીને શ્રમદાતાઓએ આજીવન સ્મૃતિ ભાથું બાંધ્યું.

શ્રમદાન યજ્ઞને ૪૮ ગામ તરફથી ટ્રેકટર ટ્રેલરની સેવાઓ પ્રાપ્ત થઈ છે.ઓછામાં ઓછા એક દિવસથી લઈને વધારેમાં વધારે ૧૯ દિવસની આવી ટ્રેકટર સેવા પ્રાપ્ત થયેલ છેં .એકંદરે ૬૦૦૦ માનવ દિનનું શ્રમદાન પ્રાપ્ત થયું.

 

મંદિર નિર્માણ

મંદિર નિર્માણ અંગેનો પ્રાથમિક અંદાજ રૂા.૭૦ લાખ ધારવામાં આવ્યો.ઉંઝા મંદિરની શૈલીધ્યાનમાં રાખી ઉંઝા મંદિરની પ્રતિકૃતિ સમાન જ ડિઝાઈન ફાઈનલ કરવામાં આવી. જુદા જુદા સોમપુર(મંદિર નિર્માણનું કાર્ય કરનાર તજજ્ઞો) પાસેથી ટેંન્ડર મંગાવવામા આવ્યા.લાંબી વાટાધાટોના અંતે પછીધ્રાંગધ્રાના આગેવાન ગણાતા સોમપુરા શ્રી ધનશ્યામભાઈ સોમપુરાને મંદિર નિર્માણનો કોન્ટ્રેકટ આપવામાં આવ્યો.ધ્રાંગધ્રા સ્ટોન વાપરીને રૂા.રર૧/- પ્રતિ ઘનફુટના દરથી આ કામ આપવામાં આવ્યું.શ્રી ધનશ્યામભાઈની ભલામણ ઉંઝા મંદિર દ્વારા પણ કરવામાં આવેલી.સૌરાષ્ટ્રના સોમનાથ મંદિરના સોમપુરા તરીકે પણ તેમણે કામ કરેલું.

સોમનાથ મંદિરના નિર્માણકર્તા સોમપુરા પરિવારના વંશજોને જ ગાંઠીલા મંદિરના શિલ્પી તરીકે પસંદ કરાયા. મુખ્ય માતૃમંદિરની ડિઝાઈન ઉઝાં મંદિરની પેર્ટન જેવી રાખી,સમદળ પ્રસાદ શૈલીનું મંદિરના નિર્માણની શરૂઆત થઈ. નિર્માણમાં શાસ્ત્રોકત આજ્ઞા અનુસાર વાસ્તુશાસ્ત્રના નિયમો સાથે સહેજ પણ બાંધછોડ કરવામા ન આવી. લોખંડના ઉપયોગ વગર ધ્રાગંધ્રાના ૩પ૦૦૦ ઘન ફુટલાલ પથ્થર અને ૧પ૦૦૦ ચો.ફુટ સંગેમરમરના ઉપયોગથી મંદિરનું નિર્માણ થયું. માતાજીનાં બેસણાં થતા હોય ત્યારે સમાજનો અદનો આદમી પણ સેવા કાર્યનો લાભ લઈ શકે તે માટે રૂા.રપ૦ ની એક ઈંટનું દાન (શિલાદાન) પણ સ્વીકાર્યુ. સોરઠના ૧૪૮ ગામોમાંથી આવું દાન મળ્યું તો સાથો સાથ શ્રધ્ધાળુઓએ ૬૦૦૦ માનવદિનનું શ્રમદાન પણ આપ્યું.કોઈએ ટ્રેકટર સહિતના સાધનો પુરા પાડયા. અંતે રૂપિયા ૧ કરોડ ૪૦ લાખના ખર્ચે સમાજના અગ્રેસરથી માંડી અદના આદમી સુધીના સૌ કોઈના સહ યોગથી મંદિરનું નિર્માણ કાર્ય પૂરું થયું. સમાજના પ્રત્યેક વ્યકિતની ભાવનાનું લીંપણ થયું હતું.

ઉમા જયોત

મંદિર નિર્માણના યજ્ઞકાર્યમાં પ્રારંભે શાસ્ત્રોકત વિધિ અનુસાર માતૃમંદિર ઉંઝાથી અઢાર શતાબ્દી ઉપરાંત પુરાણી જયોતિ જે સમગ્ર વિશ્વના કડવા પાટીદારને અજવાળતી આવી છે. તેની આ પધરામણી ગાંઠીલા “જયોતિ યાત્રા”  નુ આયોજન હાથ ધરવામાં આવ્યું. નવરાત્રીના દિવસોમાં આ આયોજન થયેલું.ઉંઝાથી રાજકોટ સુધી વાહન દ્વારા તથા રાજકોટ થી ગોંડલ,વીરપુર,જેતપુર,જુનાગઢ થઈને ગાંઠીલા પદયાત્રા સ્વરૂપે આ જયોતિયાત્રાનું આયોજન થયેલું. જયોતિયાત્રામાં જોડાવા સેંકડો ઉમાવંશી કાર્યકરો પોતાપોતાના વાહનો  દ્વારા ઉંઝા પહોચ્યા રાત્રી રોકાણ ઉંઝા મંદિરે કરી રાત્રે મંદિર પરિસરમાં યોજાતી ભવ્ય નવરાત્રી ગરબીમાં જોડાઈને તા.૧૧-૧૦-ર૦૦ર ના રોજ સવારે આરતીના આર્શીવાદ મેળવી જયોતિયાત્રાએ ઉંઝાથી પ્રસ્થાન કર્યું. રાત્રે અને સવારે ઉંઝા મંદિર દ્વારા સૌ યાત્રીઓ માટે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી.ઉંઝા મંદિર સૌ આગેવાનો બહુચરાજી મંદિર સુધી જયોતિયાત્રા વળાવવા આવ્યા. બહુચરાજી મંદિર પરિસરમાં વિરામ અને નાસ્તા બાદ જયોતિયાત્રા બપોરના સુરેન્દ્રનગર મુકામે પહોંચી. સુરેન્દ્રનગર કડવા પાટીદાર કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા સ્વાગત સભા અને ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી. આ સુરેન્દ્રનગરના વિરામબાદ જયોતિયાત્રા રાજકોટ પહોચી.રાજકોટના ઉમાવંશી પરિવારો  દ્વારા ભવ્યાતી ભવ્ય સ્વાગત થયું.શહેરના રાજમાર્ગ પર ભવ્ય શોભાયાત્રા નીકળી જે ફીલ્ડમાર્શલ વાડી પહોંચી પછી સાંજની આરતી બાદ સમુહ ભોજન પ્રસાદ લઈ રાત્રી રોકાણ ફીલ્ડમાર્શલ વાડી ખાતે કરી.

તા.૧ર-૧૦-ર૦૦ર ના વહેલી સવારે રાજકોટથી ગાંઠીલા પદયાત્રા શરૂ થઈ.રાજકોટથી ગોંડલના પ્રથમ મુકામ દરમિયાન રસ્તામાં ઠેર-ઠેર જયોતિયાત્રાનું સ્વાગત અને ચા-પાણી, ઠંડાપીણા નાસ્તા- ભોજનની વ્યવસ્થા સ્થાનીક  કારખાનેદારો દ્વારા કરવામાં આવી હતી.ગોંડલ ખાતે રાત્રી રોકાણ દરમિયાન ગોંડલ કડવા પાટીદાર સમાજ  દ્વારા યાત્રીઓની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

ગોંડલથી જેતપુર પહોચતી પદયાત્રાનું સ્વાગત અને સેવાસુશ્રુષા જેતપુર કડવા પાટીદાર સમાજ  દ્વારા કરવામાં આવી હતી.

જેતપુરથી જૂનાગઢ પહોંચતાઓ પદયાત્રીઓ વડાલ સુધી જૂનાગઢથી સામે ચાલીને પદ યાત્રીઓના સ્વાગત માટે ગયા.જૂનાગઢ શહેરના રાજમાર્ગ પર ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે “માં ઉમા”ની  જયોતિયાત્રા પસાર થઈ, પટેલ કેળવણી મંડળના મોતીબાગ સંકુલમાં જયોતિરથને વિરામ આપી.આ યાત્રીઓના રાત્રી રોકાણ તેમજ ભોજનની સુંદર વ્યવસ્થા ટીંબાવાડી કડવા પાટીદાર સમાજ  દ્વારા કરવામાં આવી હતી.તા.૧પ-૧૦-ર૦૦રની વહેલી સવારે જુનાગઢથી ઉમા જયોતિ પદયાત્રા ઉમાધામ ગાંઠીલા જવા રવાના થઈ.

પ્રાણપ્રતિષ્ઠા 

જુનાગઢ જિલ્લાના પ્રત્યેક ઘર સુધી મહોત્સવમાં રૂબરૂ સંદેશો પહોંચાડવા સોમનાથ મંદિરેથી ઉમિયા જયોતિ રથયાત્રાનું આયોજન થયું.ગાંઠીલાના નૂતન મંદિરમાં માતાજીની જે પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા થવાની હતી તેની પ્રતિકૃતિનું સુશોભિત રથમાં સ્થાપન કરાયું.આ ઉમિયા જયોતિ રથને લઈ  એક અદભૂત અને ઉત્કટ ભાવના સાથે કાર્યકરો પ૩ દિવસ સુધી જુનાગઢ જિલ્લાના ૧ર તાલુકામાં કડવા પાટીદારની નોંધપાત્ર વસ્તી ધરાવતા ૧પ૮ ગામોમાં ફર્યા.

મહોત્સવના પ્રારંભના દિવસે તા.૧૮-૦૪-ર૦૦૮ ના રોજ આ ઉમિયા જયોતિ રથ ગાંઠિલા પહોચ્ચોં, તે પહેલાં ર૬૦૯૯ કુટુંબના ૧,ર૭,ર૧૪ સદસ્યોને મહોત્સવનો દિવ્ય સંદેશો માતા ઉમિયાની  સાક્ષી માં પહોંચતો કર્યો હતો. વાયરલેશ  કોમ્યુનિકેશન  આ યુગમાં  આ પ્રસંગે માતાજી સાક્ષીએ રૂબરૂ મળી પ્રત્યેક્ષ સંદેશો પહોંચતો કરવો તે પણ નવતર આયોજન હતું. તેના ફળ સ્વરૂપે આ મહોત્સવમાં જુનાગઢ જિલ્લામાંથી અગણિત શ્રધ્ધાળુઓ આવ્યા અને શકિતના ચરણમાંથી સંપ,સમજ અને વિકાસનો સંદેશો મેળવ્યો.

આ ઉપરાંત સોરાષ્ટભરમાં અન્યત્ર ઘેર ઘેર કંકોત્રી મોકલી તેડાં કરવામાં આવ્યા હતા રથયાત્રાનો રપ-ર-ર૦૦૮ ના રોજ સોમનાથથી પ્રારંભ થયા પછી રપ-ર-ર૦૦૮ના રોજ સોમનાથ સમાજના મશાલચીઓએ મહોત્સવની સફળતા માટે મંથન કર્યું. જેના માટે સાડા ત્રણ માસથી નિસદિન જહેમત ઉઠાવતા રહ્યા હતા તે દિવસ આવી પહોંચ્ચો. ૧૮ મી એપ્રિલે એક તરફ યજ્ઞશાળામાં માતાજીના પ્રાણપ્રતિષ્ઢા માટેની ત્રણ દિવસ ચાલનારી શાસ્ત્રોકત વિધિનો પ્રારંભ થયો તો બીજી તરફ વિકાસ માટેનો આટલો માનવ મહેરામણ એકત્ર થયા છતાં કોઈ વ્યવસ્થામાં કચાશ નહિ. કશી ગરબડ નહિ-કયાંય કશી ખામી નહિ.શ્રદ્ઘાળુઓના સહયોગ,દાતાઓના સહકાર,અગ્રેસરોનું દુરદેંશી માર્ગદશનઅને કાર્યકરોના સમર્પિત શ્રમદાનથી મહોત્સવનો મૂળભુત હેતુ ફરી સાર્થક થયો.ગાંઠિલામાં પણ શ્રદ્ઘા, સંગઠન અને સિધ્ધિનો સંદેશો વહેતો થયો,તેના પ્રમાણ આવતા વષોમાં સમાજ સમક્ષ છે. તેવી આશાનો ઓડકાર લઈ શકાય તેવા અભૂતપુર્વ માહોલ સાથે તા.ર૦ મી એપ્રિલે બપોર યજ્ઞશાળામાં બીડું હોમી નૂતન મંદિરમાં માતાજીની પ્રતીમાની પ્રાણપ્રતિષ્ઠા ગગનભેદી જયનાદ સાથે થઈ અને મહોત્સવનું સમાપન થયું.પ્રત્યેકના ચહેરા પર થાક નહિ પણ હરખનું લીંપણ થઈ ચૂકયું હતું.જીવનની ધન્યતાના ભાવથી હ્દય તરબતર થઈ ગયું હતું અને મન વિકાસના સંકલ્પથી કટિબદ્ઘ બન્યુ હતું. માતાજીના આ અવિરત આશીષથી આગામી વર્ષામાં ગાંઠિલા મહોત્સવની ફલશ્રુતિ સૌરાષ્ટ્રનાં ખુણેખુણે દ્રશ્યમાન થશે તે નિશ્ચિત છે.

 

શ્રી ઉમાધામ ગાંઠિલાના ઐતિહાસીક તવારીખ

શ્રી ઉમિયા માતાજી પ્રાગટય દિન

તા : – ર૧ / ૧૧ / ૧૯૭૭ સં ર૦૩૩ વિજયાદશમી

 

નૂતન મંદિર નિર્માણ સમિતિ રચના :  તા : ૫/૦૯/૨૦૦૨

શ્રી માં ઉમા જ્યોત પદયાત્રા ( ઊંઝાથી પ્રસ્થાન ) તા : ૧૧/૧૦/૨૦૦૨

નૂતન મંદિર સંકલ્પ સભા : તા : ૧૫/૧૦/૨૦૦૨ વિજયાદશમી

 

નૂતન મંદિર ખાત મુહુર્ત :                                     તા : ૦૫/૧૨/૨૦૦૨

 ઉછામણી :                                                              તા : ૨૩/૦૧/૨૦૦૩

શિલાન્યાય વિધિ :                                               તા : ૨૯/૦૧/૨૦૦૩

 પુરૂષાર્થ સમારોહ :                                              તા : ૨૫/૦૧/૨૦૦૪

 ઉછામણી :                                                            તા : ૨૨/૦૮/૨૦૦૪

શિલાન્યાય વિધિ :                                             તા : ૨૮/૦૮/૨૦૦૪

શિવ મંદિર ખાત મુહુર્ત :                                       તા : ૧૮/૦૮/૨૦૦૮

 

શ્રી માં ઉમા પ્રાગટય રજત જયંતિ તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ :

તા : ૧૮-૧૯-૨૦ એપ્રિલ ૨૦૦૮

મંદિર નિર્માણમાં વપરાયેલ….

ધ્રાંગધ્રા સ્ટોન ૩૫૦૦૦ ઘન ફુટ

માર્બલ ૧૫૦૦૦ ચો.ફુટ

(લોખંડની એક ખીલી પણ વાપરવામાં આવી નથી.)