આજથી આશરે ત્રણેક અબજ વર્ષ પહેલાં પૃથ્વી પર સજીવસૃષ્ટિ અસ્તિત્વમાં આવી હશે, તેમ સંશોધકો માને છે. ત્યારથી ધીમે-ધીમે ઉત્ક્રાંતિ થતા આજના આધુનિક માનવ સુધીની વિકાસ યાત્રાનો ઈતિહાસ રોચક અને રોમાંચક છે. આજે આ ધરતી પર પાંચ અબજ થી પણ વધારે માનવ વસ્તી હશે! સ્થળ-કાળ પ્રમાણે અલગ-અલગ રંગ, ભાષા, ધર્મ, પહેરવેશ, રીત-રીવાજો અસ્તિત્વમાં આવ્યા હશે. તેમાંથી સમાનતા ધરાવતા લોકોના જુદા-જુદા સમૂહ અને જાતિઓની રચના થઈ હશે. જે તે જાતિઓની પોતાની ઉત્પત્તિ અને વિકાસનો આગવો ઈતિહાસ છે. તેવીજ રીતે ભારતની પ્રમુખ છ જાતિઓમાંથી એક અને વિશ્વના ખૂણે-ખૂણે ફેલાયેલી કડવા પાટીદાર (કુર્મી) જાતિ છે.
કોઈપણ પ્રજા પોતાના ઇતિહાસ સાથેનું અનુસંધાન છોડીને વિકાસ સાધી શકે નહીં! કડવા પાટીદાર જ્ઞાતિની ઉત્પતિ વિશે અનેક દંતકથાઓ અને ઇતિહાસ પ્રાપ્ત થાય છે. આપણે હકીકત સત્યતા અને તાર્કિકતા વિશે ટીકા-ટિપ્પણ નહીં કરતા, એક જીજ્ઞાસુ ભાવક તરીકે જાણકારી મેળવવાનો યથાયોગ્ય પ્રયત્ન કરીએ. કડવા પાટીદાર જ્ઞાતિની ઉત્પતિ વિશે જોઈએ તો, વાસ્તવમાં કુર્મી જાતિ પંજાબમાં ‘લેવા અને કરડ’ વિસ્તારમાં ફેલાયેલી હતી. કોઇપણ કારણોસર તેઓએ પંજાબમાંથી સ્થાળાંતર કર્યુ. પોતાના મૂળ ભૂલાઇ ન જાય એ માટે, એમણે જે તે વિસ્તારના પોતાના નામ ઉપરથી ‘લેવા અને કરડ પરથી કડવા’ વિશેષણો ધારણ કર્યા. કૃષિ સાથે સંકળાયેલ હોવાથી પંજાબમાંથી ફરતા-ફરતા સરસ્વતી નદીના પ્રદેશમાં આવી પહોંચ્યા. સરસ્વતી નદીની આસપાસનો વિભાગ ‘આનર્ત પ્રદેશ’ તરીકે ઓળખાતો, જેને આજે આપણે ‘ઊંઝા’ તરીકે ઓળખીએ છીએ.
આપણે આંબાના ઝાડને ‘આમ્ર અથવા અંબ’ તરીકે પણ ઓળખીએ છીએ. આંબાના વૃક્ષમાં માતા અંબાની કલ્પના કરી, કુર્મીઓ તેની પૂજા કરતાં. ત્યારથી જ પ્રકૃતિપ્રેમી પૃથ્વીપુત્રો માઁ અંબાના જ એક સ્વરૂપ માઁ ઉમિયાની પૂજા કરતા આવ્યા છે. આ પૂજા-અર્ચના કુર્મીઓએ અહીંયા પણ જાળવી રાખી છે. થોડી સ્થિરતા મળતાં તેઓએ ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ કરી, માતૃકા પૂજા પ્રત્યે પોતાની શ્રદ્ધા અને ભક્તિ પ્રગટ કરી.
વેદોમાં કુર્મી શબ્દ દેવરાજ ઈન્દ્રના વિશેષણ તરીકે અનેક જગ્યાએ વપરાયેલ છે. દેવરાજ ઇન્દ્રની પ્રચંડ શક્તિ અને વીરતાના વારસદારો, એવા કૂર્મીઓને સમય જતાં આનર્ત પ્રદેશની જગ્યા પણ ઓછી પડવા લાગી. જરૂરિયાત અને સગવડતા પ્રમાણે તેઓ સૌરાષ્ટ્ર અને અન્ય પ્રદેશોમાં ફેલાતા ગયાં.
‘કુમ્બિ’નો અર્થ થાય છે ગૃહસ્થ. જે સંસ્કૃત શબ્દ ‘કુટુંબીક’ પરથી ઉતરી આવેલ છે. જેના પરથી કુર્મી શબ્દ પ્રચલિત બનેલ હશે! કુર્મિઓ મુળ ક્ષત્રિય છે. તે હકીકત ઘણાબધાં વાદ-વિવાદો અને સંશોધનો પરથી વિદ્વાનોએ સ્વીકારેલ છે. સ્થળ-કાળને કારણે તેમના કાર્યક્ષેત્ર અને મોભામાં ભિન્નતા જોવા મળે છે, પરંતુ અંતે તે એકજ કૂર્મી જાતિના વંશજો છે. જેમાં બેમત નથી. કૂર્મી ક્ષત્રિય જન હિન્દી ભાષાના પ્રદેશોમાં કૂર્મી, ગુજરાતમાં પાટીદાર કે પટેલ, મહારાષ્ટ્રમાં કુનબી, મરાઠા કે પાટીલ, આંધ્રપ્રદેશમાં રેડ્ડી અને કાંપુ, કર્ણાટકમાં કમ્પા, વક્કલિંગર, કૂબલી અને ઉડીયામાં કૂર્મા નામથી, તેમજ દક્ષિણ કોંકણમાં કુલબલી તરીકે ઓળખાય છે. કેટલીક જગ્યાએ કુસ્મિ, કુરમ્બસ, કુદમ્બિસ વગેરે શબ્દ પ્રયોગો પણ થયેલાં જોવા મળે છે. વ્યાકરણ અનુસાર કૂર્મી શબ્દનો અર્થ, કૂ એટલે ‘ભૂ’ અથવા ‘ધરતી’ થાય છે અને ‘રમી’નો અર્થ ‘રચનાર’ અર્થાત ‘બુપતિ કે કૃશક’ કહી શકાય. તેવીજ રીતે જેને જમીનનો પટ મળેલ છે, તે ‘પાટીદાર’ કહેવાયા.
કુર્મી-કડવા પાટીદારની ઉત્પતિ વિશે અનેક દંતકથાઓ સાંભળવા મળે છે, તેને ઇતિહાસ કે શાસ્ત્રોની કસોટી પર ન ચડાવીએ તો પણ તેનું એક વિશેષ મહત્વ છે. માર્કંડ પુરાણ, કૂર્મ પુરાણ, લેઉવા પુરાણોમાં, વહીવંચા બારોટોના ચોપડામાં, બીજા અનેક ગ્રંથોમાં અને મૌખિક પરંપરામાં આ જ્ઞાતિના વૃદ્ધો પાસે અનેક કથાઓ મળે છે. આ બધી કથાઓને ગપગોળા કે વાહિયાત વાતો કહીને ઉડાવી મૂકવાની જરૂર નથી. આ બધી કથાઓમાં વેરાયેલા મૂળ બીજને શોધવાની જરૂર છે. આ પ્રકારની દંતકથાઓ આખી જ્ઞાતિ અને સાંસ્કૃતિક પરંપરાઓને પોતાની ગોદમાં સાચવીને નદીઓ વહેતી આવે છે. અનેક દંતકથાઓમાંથી નમૂનારૂપે થોડી દંતકથાઓ…